ઓરડો,દીવાલ,બારી સાંભળે,
કોણ બીજું વાત મારી સાંભળે?
હું સ્વગત બોલું અને લાચારીઓ-
મન લગાવીને બિચારી સાંભળે.
જો સમય, થોડો સમય આપી શકે-
કોઈ ફરિયાદો અમારી સાંભળે!
હો ભલે ગમગીન મારી વારતા;
સાંભળે એ એકધારી સાંભળે!
એક પણ બીજી દવા ના જોઈએ,
જો મને મારી બીમારી સાંભળે.
ફૂલ જે કરમાય છે એની વ્યથા;
ના ચમન પૂછે, ન ક્યારી સાંભળે.
શું થવું સન્મુખ દુનિયાથી ‘અગન’
કોણ આવી હાડમારી સાંભળે?
-‘અગન’ રાજ્યગુરુ