ક્યારે મળ્યા અમે એ યાદ નથી,
“કેમ મળ્યા”નો પણ વિવાદ નથી.
એટલી દોસ્તી છે , બે પક્ષે,
આજ લગ ગામમાં ફસાદ નથી.
ચાર ભીંતોની ઓઢણી ‘મા’ છે,
લાજ જ્યાં હોય ત્યાં વિષાદ નથી.
કેસ ક્યાં છે અદાલતોમાં હવે,
કોઇ પક્ષે હવે લવાદ નથી.
છે તો ઘરમાં ગઝલના સૌ શોખીન,
કોઈ શાયર અમારાં બાદ નથી.
આંખની જે શરમથી આપે છે,
એ ખરેખર ગઝલની દાદ નથી.
‘રાજ’ મારા સમયનું છે ‘સિદ્દીક’,
કોઈ ક્ષેત્રે કશામાં સ્વાદ નથી.
સિદ્દીકભરૂચી.