બે બાળકો ભૂખ્યા સૂતા ધંધો નથી થયો,
કે બાપથી બીજો કોઈ રસ્તો નથી થયો?
મેં દૂધ આપી પોષવાનું છોડી દીધું છે,
એ કારણે મારો અહમ મોટો નથી થયો.
તું હાથ પકડી કર ઉભો દોડી બતાવું હું,
મારા અડગ મનને હજી લકવો નથી થયો.
ડાઘો પડે એની પહેલાં ધોઈ નાંખ મન,
આ રંગ કાચો છે હજી પાકો નથી થયો.
તું બીજ રોપે તો વિચારીને જ રોપજે,
કે બોરડીમાંથી કદી આંબો નથી થયો.
કૈ રીતથી રોકું તમારા સંસ્મરણ કહો,
મારા હૃદયના દ્વાર પર ઝાંપો નથી થયો.
મારી ગઝલનો તાપ વેઠી નૈ શકે જગત,
ચિનગારી છે ખાલી હજી ભડકો નથી થયો.
લાખો નદીની વેદના માંગી હતી એણે,
‘સાગર’ સ્વયંના આંસુથી ખારો નથી થયો.
રાકેશ સગર ‘સાગર’