દ્વાર જ્યારે ચોતરફ બિડાય છે,
કોક રસ્તો ક્યાંક ખુલ્લો થાય છે.
છૂટતા સંબંધની પરવા ન કર!
જે જવાનું હોય છે એ જાય છે.
સાવ ખુલ્લાં મનથી સામે બેસીએ,
આટલુંયે કોઈથી ક્યાં થાય છે?
છે તફાવત આપણામાં એટલો,
હું ચડ્યો છીંડે ને તું સંતાય છે.
મન કહો, મોતી કહો કે આઈનો,
સાંધતા તિરાડ તો રહી જાય છે.
રંજ ના કરીએ કસોટી-કાળનો,
એ થકી તો ‘પાર્થ’ સૌ પરખાય છે.
~ હિમલ પંડ્યા ‘પાર્થ’