આંખો મીંચી પડતાં ખાડે કોણ બચાવે?
ખુદ ચડો જો આડા ચાળે કોણ બચાવે?
ચડસા ચડસી કરતાં માર્ગે ભટકી જાતાં,
જાતે ચડતાં પાટે આડે કોણ બચાવે?
ટેકો આપી પાણી સીંચો છો પહેલાં તો,
વેલો ચડતો આખર વાડે કોણ બચાવે?
આભે ઊડતાં પાંખો થાકે કોને કહેશો?
પડતું મેલો ઊંચે પહાડે કોણ બચાવે?
મતલબ દેખી સાચું તજતાં ખોટે મારગ,
દોટ લગાવો ઢળતાં ઢાળે કોણ બચાવે?
લોભે ચડતાં ઊંચે ઝાડે ધરતી છોડી,
જીવ લટકતો ટચલી ડાળે કોણ બચાવે?
કરશો શું અફસોસ કરી વીતી ઉંમરનો,
જીવન કાઢો આળસ લાડે કોણ બચાવે?
ફરિયાદ પછી ત્યાં તારી ખોટી ઠરવાની,
વાતે વાતે હોંઠ બગાડે કોણ બચાવે?
પેઢી બગડી ચોરે ચૌટે કહેતા ફરશો,
મુકો જણતર પારકે માળે કોણ બચાવે?
બીજા કરશે માની જીવન કાઢી છેલ્લે,
તરસ્યાં થાતાં કૂવા ગાળે કોણ બચાવે?
સુકાતી ખુદની મોલાતો ભૂલી જઈને,
પારકે ખેતર પાણી વાળે કોણ બચાવે?
દુનિયા આખી થઈ વેરીને બેઠી સામે,
વણસી વાત ન પાડો થાળે કોણ બચાવે?
ફોગટમાં વહેતું આ પાણી મોંઘા મૂલું,
મારો ના દાટા જો ખાળે કોણ બચાવે?
દુશ્મન સામે લડીએ સામી છાતી રાખી,
પોતાનાં જો જીવન બાળે કોણ બચાવે?
જાગો દોડો બદલી ગઈ દુનિયા પલકારે,
સૂતાં રહેશો ચડતે દાડે કોણ બચાવે?
~દિલીપ ધોળકિયા,”શ્યામ”