ભીડના દરબારમાં કોને મળું ?
રેતની વણઝારમાં કોને મળું ?
લોક કિનારા ઉપર મળતાં ડરે,
હું હવે મઝધારમાં કોને મળું ?
મૌનના હોઠો તણી ઝુંબિશ લઈ,
શબ્દની જંજાળમાં કોને મળું ?
અજનબી થઈને મળે મિત્રો બધા,
ખોખરા સંસારમાં કોને મળું ?
સાથમાં વર્ષો રહ્યાં પણ ના મળ્યાં,
હું હવે પળવારમાં કોને મળું ?
કોઈ મળતું પણ નથી ઘરમાં હવે,
તો પછી પરસાળમાં કોને મળું ?
-મોહમ્મદ અલી ભૈડુ ‘વફા’