ખુદને મળવું ઘણું જરૂરી છે,
બાકી જે છે, બધી મજૂરી છે.
કેવી રીતે ઉડાન ભરશે તું?
જાતને પિંજરામાં પૂરી છે.
આ અહમ્ તો જખમ કરે ઊંડા,
જાણે કે ધારદાર છૂરી છે.
ચિત્ર દોર્યું તો બોલી ઊઠ્યું કે-
જીવવાની કળા અધૂરી છે.
શબરીની જેમ ચાખું હર ક્ષણ ને-
સૌને વ્હેંચું, જે ક્ષણ મધુરી છે.
જેમ ડાળીએ ફૂટે છે કૂંપળ,
આ ગઝલ પણ એ રીતે સ્ફૂરી છે.
– મહેશ દાવડકર