સૂતાં ફૂલો અડકવાની ગઝલ તો ના જ પાડે છે,
મહેકને તંગ કરવાની ગઝલ તો ના જ પાડે છે.
ભલે આ છૂટછાટો છંદમાં થોડી ઘણી હો પણ,
ઊતરતી વાત કહેવાની ગઝલ તો ના જ પાડે છે.
કરી લઉં બંદગી તારી, પરંતુ વાહવાહી નૈ,
ખુશામત ખોટી કરવાની ગઝલ તો ના જ પાડે છે.
ગઝલમાં વાત હો તારી અને જો થાય ના પૂરી,
તો અધવચ્ચે અટકવાની ગઝલ તો ના જ પાડે છે.
ભલે ને વાર લાગે પણ ઘણું ઊંડું ઉતરવું છે,
હવાની જેમ તરવાની ગઝલ તો ના જ પાડે છે.
બની જેવી બની એ તો સ્વયંમાં પૂર્ણતા ઝંખે,
કવન ઉછીના લેવાની ગઝલ તો ના જ પાડે છે.
અજવાશ ફેલાવે સૂરજ થૈ શબ્દ આંગણમાં,
બની જ્વાળા ભભકવાની, ગઝલ તો ના જ પાડે છે.
ધ્રુવ પટેલ ‘અચલ’