રાખ્યું’તું યાદ એથી ગુમાવ્યું ઘણું બધું
ભૂલી ગયો બધું જ તો પામ્યું ઘણું બધું.
નફરત દીધી’તી ક્યાંક, ને દીધો’તો ક્યાંક પ્રેમ,
આપ્યું હતું જે, પાછું એ આવ્યું ઘણું બધું.
નિર્દોષ ભાવથી મેં ફક્ત સ્મિત ફેંક્યું’તું,
એમાંય સૌએ મનમાં વિચાર્યું ઘણું બધું.
કોશિશ કરી ઘણી છતાં છુપી રહી નહિ,
ઈજ્જત બચાવવા મેં છુપાવ્યું ઘણું બધું.
હું એની પાસે જઈ અને ફરિયાદ શું કરું?
મારા ગજાથી ઈશ્વરે આપ્યું ઘણું બધું.