ચૂકવાય ન ઋણ એમનું સન્માન કરીને,
ટાળે છે મુલાકાત જે એહસાન કરીને.
દુર્જનની ને સજ્જનની, મજા બેઉની લો છો !
માફી ય પછી માંગો છો અપમાન કરીને !
એને જો ન જોઉં તો ઘણું લોહી બચે છે,
છે લાભ બહુ આંખનું નુકસાન કરીને !
ક્યાં પ્રાપ્ત કશું કરવા અરજ કોઈ કરી છે ?
આનંદ ઉઠાવ્યો છે પરેશાન કરીને !
વપરાશ રહે જેનો , ખતમ થાય છે ઝટથી,
ખૂટે ન અભિમાન અભિમાન કરીને ?
લાચારીને કોઈની અમર તો ન બનાવો,
ફોટા ય પડાવો છો તમે દાન કરીને !
જીવનને ખબર પણ ન પડે એમ જીવ્યો છું,
સૂંઘ્યું છે સદા ફૂલને બેભાન કરીને.
ભાવેશ ભટ્ટ