ન કર એટલી તો તાકાત કે કળનો જમાનો છે,
વફાદારી અહીં ઠોકરે ચઢે છળનો જમાનો છે.
લડાવશે સૌને ‘ને પોતે બેસી જશે ભેગા ભેગા,
કરશે કોણ પીઠ પર ઘા અટકળનો જમાનો છે.
કલાકો ને દિવસો વિતે છે વર્ષોની ચિંતા કરતા,
ઝડપવા તકને વિલંબ કરે, પળનો જમાનો છે.
ઋતુઓનો વળી અહીં શું પ્રભાવ જોવા જેવો,
વર્ષામાં છલોછલ પછી સુકા તળનો જમાનો છે.
નેજવા ધરીને જોયા કર, ‘સ્મિત’ આકાશ તરફ,
વરસ્યા વિના જ ભાગતા વાદળનો જમાનો છે.
દેવેન્દ્ર કુમાર “સ્મિત”