ઘણો ખુશ થયો છું, જમાવટ છે આજે;
મને ખુદ મળ્યો છું, જમાવટ છે આજે.
સદીઓ પુરાણી હતી નીંદ, છોડી;
જરા સળવળ્યો છું, જમાવટ છે આજે.
ફરીથી હિસાબો ચકાસી ગયો છું;
હતો એ રહ્યો છું, જમાવટ છે આજે.
ભલે સાવ ખાલી રહ્યો બેઉ હાથે;
છતાંયે ભર્યો છું, જમાવટ છે આજે.
રહી છે અડીખમ ખુમારી અમારી;
કદી કરગર્યો છું? જમાવટ છે આજે.
નથી સામસામે થયો હું પવનની;
જુદો બસ વહ્યો છું, જમાવટ છે આજે.
પ્રભુ નામના લઈ તરાપો, હલેસા;
સમંદર તર્યો છું, જમાવટ છે આજે.
હવે કોઈ જૂનો નથી રંજ શાયદ;
નવો અવતર્યો છું, જમાવટ છે આજે.
ખરે છે સહજ જેમ ફૂલો સમય પર;
સહજ બસ ખર્યો છું, જમાવટ છે આજે.
થઈ રેત કાયમ સમયની ઘડી પર;
સતત બસ સર્યો છું, જમાવટ છે આજે.
યુગો બાદ જાણે ફરીથી જુઓને !
ગઝલ ગણગણ્યો છું, જમાવટ છે આજે.
~ ડૉ. મુકેશ જોષી