જિંદગીમાં દુઃખદ સ્મરણો યાદ રાખવાની જરૂર નથી,
પાનખર પછી વસંત આવશે,નિરાશ થવાની જરૂર નથી.
એ યાતના,એ દર્દ, હતું ત્યારે હતું, હવે તેનું શું ? ભલા,
કાયમ પીડા ના પોટલાં માથે લઈ ફરવાની જરૂર નથી.
વિશ્વાસ હોય તો જ ઠલવજો વહાલા સામે વેદના !
જેની તેની આગળ જખમો, ઉખેળવાની જરૂર નથી.
આપદા ઓ તો આવશે અનેક, આજીવન અણધારી !
સંઘર્ષ કરો સંયમ શક્તિથી,ભાંગી પડવાની જરૂર નથી.
સુખી ને સંતોષી શોધશો, તો પણ નહિ મળે સૃષ્ટિમાં,
સાગર છલકે છે સમદુઃખિયા નો ડૂબવાની જરૂર નથી.
જીવન શતરંજ માં સોગઠાં નાખ્યા છે, હાર જીતના,
એકાદ બાજી ઊંઘી પડે તો, ઉઠી જવાની જરૂર નથી .
લડવું પડે તો પણ લડી લેજો ,કોઈની શેહ શરમ વિના ,
” મિત્ર “હર જંગમાં, હથિયાર હેઠા મૂકવાની જરૂર નથી.
વિનોદ સોલંકી ” મિત્ર “