જિંદગી કંઈ એટલી ખારી નથી!
ટેવ બસ ફરિયાદની સારી નથી
તે ચહ્યું એ ના મળ્યું તો શું થયું?
કોણે અહીં ઈચ્છા કદી મારી નથી!
એક જ ઘરમાં કેટલી ભીંતો ચણી!
સગપણોમાં ક્યાંય પણ બારી નથી
રક્તનું થીજી જવું પોસાય નહીં
આગ દિલની એટલે ઠારી નથી
હો કછોરું તોય રાખે હેતથી
મા એ મા છે કોઈ વેપારી નથી
આમ તો એ મારું જાણે બીંબ છે
જિંદગી આ મારી અણધારી નથી
શાંત સમજી મોરચા સંકેલ નહીં
થાકી છુ બસ, હું હજી હારી નથી
– કિરણ ‘રોશન’