જિંદગી શું છે, એ જીવો તો ખબર પડે,
એ ઝેર છે કે અમૃત, પીવો તો ખબર પડે.
આંસુ છે કે પાણી, કદી ઓળખી નહી શકો,
કોઈની આંખમાંથી એને લુવો તો ખબર પડે.
હસતા ચહેરા પાછળ કેટલી હોય છે વેદના,
કોઈના હ્રદયમાં ઝાંકી ને જુવો તો ખબર પડે.
ભૂખ્યા પેટે રઝળવું પડે છે એક રૂપિયા માટે,
ખાલી બે ટંક ની રોટી કમાવો તો ખબર પડે.
સહેલું છે છટકવું,જવાબદારીની ઝંઝાળથી,
જવાબદારી ને,જરા નિભાવો તો ખબર પડે.
કેટલી વેદના વ્યથા ભરી છે કોમળ હર્દયમાં,
આંસુના પ્યાલા પી ને હોઠ સીવો તો ખબર પડે.
પત્થર છો કે પુષ્પ જાણી શકાય નહી “મિત્ર”,
કોઈક ના દુઃખ દર્દ ગળે લગાવો, તો ખબર પડે .
વિનોદ સોલંકી “મિત્ર”