જે બંધાઈ ગઈ છે સ્વયં સાંકળેથી,
નજર કેમ પાછી ફરે એ સ્થળેથી?
અવિરત ગુણાકાર ચાલ્યા કરે છે,
છતાં કંઈ સરકતું રહે પગ તળેથી!
વિનંતી ઘણીયે કરી જોઈ મેં પણ,
નથી સુખ હેઠું ઊતરતું ગળેથી.
એ દાદાગીરી પણ ગમી ખેતરોને,
કબૂતર સીધો કર વસૂલે ખળેથી.
નથી હેલ માથે અને એ હલક પણ,
નગરતા હવે બસ ટપકતી નળેથી.
કવિ- જયંત ડાંગોદરા