જે હતી મોઘમ, ગઝલમાં એ ક્ષણો ઢાળી નથી.
શું તમે એ એક પણ ક્ષણ મન ભરી માણી નથી?
કંઈ ક્ષણો વીતી હતી જે આપના સંગાથમાં,
છે હજુ મદહોશ, સરખી હોંશમાં આવી નથી.
સૂર્ય આથમવાની વેળા આભ લીપે લાલિમા,
મેં અધૂરી કોઈપણ પૂજા પછી રાખી નથી.
હાથમાં હું લઉં કલમ ને સ્પર્શ ઝીણું રણઝણે,
શબ્દને જીવંત કરવા કોઈ કસર બાકી નથી.
વાત જ્યાં હો રામની ત્યાં બોરનો પર્યાય ક્યાં?
ચીજ બીજી કોઈ ‘શબરી’એ કદી ચાખી નથી.
પૂર્ણિમા ભટ્ટ ‘શબરી’