ફોન, મોબાઈલ આવતા, ભૂલ્યાં ટપાલ,
ફેસબુક રંજાડતા, ભૂલ્યાં ટપાલ..
સંબોધનમાં માન જળવાતું ઘણુંય,
એ હવે ના ફાવતા, ભૂલ્યાં ટપાલ..
સ્નેહ-નીતરતું હતું સૌનું લખાણ,
સ્વાર્થ ત્યાં હાવી થતા, ભૂલ્યાં ટપાલ..
કેટલાં મીઠાં હતાં સગપણ, અગાઉ!
એય કડવાં થઈ જતાં, ભૂલ્યાં ટપાલ..
કેવાં લથબથ આવતાં પરબીડિયાં!
પ્રેમ થાતા લાપતા, ભૂલ્યાં ટપાલ..
ને ટપાલી પણ નજીકનો લાગતો!
એય આઘો ભાગતા, ભૂલ્યાં ટપાલ..
કાગડોળે રાહ જોતાં પત્રનીય,
એવી ‘ધીરજ’ ખૂટતાં, ભૂલ્યાં ટપાલ..
ડૉ. ધીરજ એસ. બલદાણિયા