તસવીર સામે બોલવું અઘરું થશે.
આ મૌનને તો તોડવું અઘરું થશે.
સામે છતાં ઓઝલ રહેતો એ સદા,
હા, ઘર ખુદાનું શોધવું અઘરું થશે.
આપી હવે કૂંચી સનમનાં હાથ તો,
દિલ દ્વારને તો ખોલવું અઘરું થશે.
સરકી જશે જો આંખથી રિસાઈને,
આંસું નયનથી જોડવું અઘરું થશે.
ભૂલી જશો?એ વાતમાં શું માલ છે,
લાગી લગન મન મોડવું અઘરું થશે.
પાદર ,નદી, મારગ અને તારું નગર,
આદત પડી છે છોડવું અઘરું થશે.
~દિલીપ ધોળકિયા,”શ્યામ”