આદિથી લઇ અંતમાં તારા વિચારો હોય છે,
મૃત્યુથી જીવંતમાં તારા વિચારો હોય છે.
શાંતિથી બેઠો રહું કે કર્મ કરતો હોઉં છું,
જિંદગીનાં ખંતમાં તારા વિચારો હોય છે.
રાગ કે વૈરાગ્ય સરખા હોય છે જેને અહીં,
એવાં સાચાં સંતમાં તારા વિચારો હોય છે.
સર્વવ્યાપી હોય છે તારૂં બધે હાજર થવું,
શૂન્યમાંથી અનંતમાં તારા વિચારો હોય છે.
એક ચાદર શ્વાસને સાક્ષી કરી વણતો રહ્યો,
ને બધાં એ તંતમાં તારા વિચારો હોય છે.
-ડૉ. મનોજકુમાર “પારસ”