તું જે કહે કબૂલ છે ચર્ચા કર્યા વગર;
ચાહું છું હું કશીય અપેક્ષા કર્યા વગર,
ટિપ્પણ કર્યા વગર અને ટીકા કર્યા વગર;
જીવી શકું તો જીવવું હો-હા કર્યા વગર,
ઇચ્છા છે એટલી કે હું ઇચ્છા નહીં કરું;
શી રીતે રહી શકાય છે ઇચ્છા કર્યા વગર,
સંબંધમાં જરૂરી છે સમજણની હાજરી;
ચાહી શકાય તો જ ખુલાસા કર્યા વગર.
સરનામું મારું કોઈએ ચીંધ્યું નહીં મને;
મેં પણ ગલી વટાવી’તી પૃચ્છા કર્યા વગર.
એમાં તે શી મજા કે સમયસર તમે મળો?
મળવું ગમે જ કેમ પ્રતીક્ષા કર્યા વગર?
અધવચ્ચે શ્વાસ અટકે તો આશ્ચર્ય કંઈ નથી;
છોડ્યાં ઘણાં યે કામ મેં પૂરાં કર્યા વગર.
– ભગવતીકુમાર શર્મા