તું જ મારી વારતામાં છે બધે,
સાચમાં કે ધારણાંમાં છે બધે.
દ્વાર મારાં એટલે ખુલ્લાં રહ્યાં,
એક તું બસ આંગણાંમાં છે બધે.
હું હવે મારા વિશે બોલું નહીં,
મૌનનાં તું દાયરામાં છે બધે.
તું જ ટીપે છે અને તું થાબડે,
તું જીવનનાં ચાકડામાં છે બધે.
ક્યાંક ‘ને ક્યારેક તો ભીંજાઈશું,
તું જ ઉપર વાદળામાં છે બધે.
લાગણી તો રોજ જો ચૂંથાય છે,
લોક ‘હું’ની વાસનામાં છે બધે.
તેં દીધેલાં શ્વાસ જે ગણતો નથી,
એ જ માણસ આંકડામાં છે બધે.
રોજ ઈશ્વર કેટલો લજવાય છે,
કેમ કે તે આપણામાં છે બધે.
– અર્પણ ક્રિસ્ટી