તું ફકત અધિકારની વાતો ન કર,
પ્રેમ છે હકદારની વાતો ન કર.
છે જરા આદત મને ખોટી કબૂલ,
તું સીધી સંસ્કારની વાતો ન કર.
તું કિનારાની હવા મઝધાર હું,
ખસ જરા પડકારની વાતો ન કર.
બેઉ ચીજોનો અનુભવ છે જલદ,
ફૂલ કે અંગારની વાતો ન કર.
એક સરખો સૂર્ય સૌને નહિ મળે,
લે દીવો અંધારની વાતો ન કર.
ક્યાંક એનું મન ફરી ભટકી જશે,
સાધુ છે સંસારની વાતો ન કર.
ધારું તો ‘સાગર’ની છાતી પર રમું,
નાવ છું મઝધારની વાતો ન કર.
સગર રાકેશ, “સાગર”