તું બધે પહોંચી નથી શકતો, પ્રભુ!
એટલે તો માનું તેં સર્જન કર્યું..
ભાર ઘર-પરિવારનો વેંઢારવા,
કાળજું તેં બાપનું મજબૂત ઘડ્યું..
આવડ્યું નહોતું કશુંયે ચાવતા,
તે દિ’ માની છાતીથી અમૃત ઝર્યું..
બોલતા નહોતો શીખ્યો એકેય વેણ,
કાલું-ઘેલું સૌ સમજતું ઘર ધર્યું..
દિલને ખૂણે દર્દ થોડુંક ઊઠતાં,
મિત્ર-વર્તુળ, તેં સહારે મોકલ્યું..
જિંદગીમાં ખાલીપો લાગે જ કેમ?
તેં સુભાર્યા આપીને જીવન ભર્યું..
હું દરદથી એકલો કણસ્યો જ ક્યાં!
તેંય ભીતર બેસીને સઘળું સહ્યું..
તેં સુપંથે ચાલવા હિંમત ધરી,
તેથી જીવન પૂર્ણ ‘ધીરજ’થી સર્યું..
~ ડૉ. ધીરજ એસ. બલદાણિયા