પાંપણો ખંખેરવાની વાત ના કર હોં હવે ,
તું મને છંછેડવાની વાત ના કર હોં હવે .
આગનાયે કાનમાં તેં તેલ તો રેડ્યું જ છે ,
તુંજ પાછો આ હવાની વાત ના કર હોં હવે .
ના મળે તારા ખબર કે પત્ર કોઈ ના મળે ,
એટલો મોટો થવાની વાત ના કર હોં હવે .
તેંજ તો આપ્યાં હતાં આ દર્દ ,ડૂમા,ડૂસકાં,
તું જ આંસુ લૂછવાની વાત ના કર હોં હવે .
પ્હોંચવામાં બે જ ડગલાં દૂર છે મંઝિલ અને ,
આમ તું પાછા જવાની વાત ના કર હોં હવે .
સંત , સાધુ ને ફકીરી , વ્યાસવેડા… બસ થયું ,
તું હવે ઈશ્વર થવાની વાત ના કર હોં હવે .