સાદ અંદરથી પડે તો આવજે
આંખ અંતરથી રડે તો આવજે
પ્રેમભીનો સ્પર્શ કરશે આંગળી
લાગણી એમાં જડે તો આવજે
હોય દુનિયા પ્રેમની દુશ્મન ભલે
જાત તારી ત્યાં લડે તો આવજે
એટલો સંકેત સમજી જાવ જો
ડાળથી પંખી ઉડે તો આવજે
હોય લિજ્જત એટલી મળવા મહીં
શેર લોહી જો ચડે તો આવજે
એમ બોલાવું નહી ‘પારસ’ તને
જીવ મળવા તડફડે તો આવજે
– ડૉ. મનોજ કુમાર ‘પારસ’