ચાલાકી વાપરીશ, તો એને નહીં ગમે,
ખોટો જો થરથરીશ, તો એને નહીં ગમે.
એણે તો પાનખરની વ્યવસ્થા કરી જ છે,
તારી રીતે ખરીશ, તો એને નહીં ગમે.
આવ્યો હો વારો બારી ઉપર એની માંડ-માંડ
જો એ ક્ષણે સરીશ, તો એને નહીં ગમે
દર્શન તો શું? તરસતું જગત જેના ભાસને
એનામાં ઊતરીશ, તો એને નહીં ગમે
રાખે છે તારું ધ્યાન ભલેને એ હરપળે
જો એવું તું કરીશ, તો એને નહીં ગમે
માની રહ્યો છે એ તને ટોળાથી કૈં અલગ
જો તું ય કરગરીશ, તો એને નહીં ગમે
ભાવેશ ભટ્ટ