ગઝલ મારી તને સમજાય તો તું દોસ્ત સાચો,
પછી જો રોમ ઊભાં થાય તો તું દોસ્ત સાચો
કદી એવું બને કે માત્ર મારા હોઠ ફફડે,
અને તું અર્થ સમજી જાય તો તું દોસ્ત સાચો.
નથી કરવા હવે કૈં પ્યારના લેખિત કરારો,
અગર તું બોલથી બંધાય તો, તું દોસ્ત સાચો.
તને બે વેણ કડવાં કહી શકું હું દોસ્તદાવે,
અને તું લેશ ના અકળાય તો તું દોસ્ત સાચો.
નથી હું પૂર્ણ પુરુષોત્તમ, કમી તો છે ઘણીયે,
તને એ ખામીઓ દેખાય તો તું દોસ્ત સાચો.
મને બહુમત મળે, ને હાર તારી થાય તોપણ,
બધાથી તું વધુ હરખાય તો, તું દોસ્ત સાચો.
કસોટી ખાસ કરવા હું અહીં ઉપવાસ રાખું,
તને નબળાઈ ત્યાં વર્તાય તો તું દોસ્ત સાચો.
~ કિશોર જિકાદરા.