એક નાનું બીજ ફણગે તો મજા આવે,
મન મહીં પાયલ જો રણકે તો મજા આવે.
ચોતરફ છે હિમ ને થથરી રહે છે ચેતના,
તાપણું હૂંફ નું જો તણખે તો મજા આવે.
એ ઊભો ચે આજ પ્હેરી ને નરી નિષ્ઠુરતા,
કોઇ એના દિલને અડકે તો મજા આવે.
સાવ સૂકા પાંદડાની આ ઋતુ શા કામની?
વનતણાં જો વૃક્ષ મલકે તો મજા આવે.
પ્રશ્ન પૂછી આમ એ બેસી રહ્યાં નિર્લેપ શા!
આંખ માં ઉત્તર જો ચમકે તો મજા આવે.
છે સીધી સટ જિંદગી ‘આનંદ’ ક્યાં રોમાંચ છે,
કંઇક તૂટે, દિલ જો વલખે તો મજા આવે.
-અશોક જાની “આનંદ”