સમયને સાંકળે બાંધી શકો તો વાત જુદી છે,
ગ્રહોની ચાલ બદલાવી શકો તો વાત જુદી છે.
જગત આખુંય યાચક ને ખુદા છે એકલો દાતાર,
કશું ના માંગવુ, માંગી શકો તો વાત જુદી છે.
અરીસો સાફ કરશો તો ચમક આવી જશે પાછી,
તમે યૌવન પરત લાવી શકો તો વાત જુદી છે.
દીવાલો તોડવાનું છે સરળ મસ્જિદ , મંદિરની,
તીરાડો ધર્મની સાંધી શકો તો વાત જુદી છે.
વધેલી ડાળ કાપી નાંખવામાં છે સમજદારી,
વધારેલો અહમ કાપી શકો તો વાત જુદી છે.
નહીં પ્હોંચી શકો”સાગર” સુધી એનું દરદ જોવા,
નદીના દર્દને જાણી શકો તો વાત જુદી છે.