છોડ્યું હતું જે સ્થળ ફરી ત્યાં હું ઉભો રહ્યો
ન્હોતું મળ્યું જ્યાં ફળ ફરી ત્યાં હું ઉભો રહ્યો,
હું હાર ના સ્વીકારું આસાનીથી એમ કૈં,
જ્યાં હું થયો નિષ્ફળ ફરી ત્યાં હું ઉભો રહ્યો,
ઘા તો મળ્યા છે કેટલા દિલને છતાં જુઓ,
કંઇક વળી જ્યાં કળ ફરી ત્યાં હું ઉભો રહ્યો,
સઘળી નિરાશા ત્યાગી છે મેં પણ હવે અહીં,
ગમનું હટયું વાદળ ફરી ત્યાં હું ઉભો રહ્યો,
મળતા હતા એ જે ગલીમાં ત્યાં હવે નથી,
ફેરો થયો પોકળ ફરી ત્યાં હું ઉભો રહ્યો,
હિંમતસિંહ ઝાલા