નથી મતલબ હવે સંવાદનો કોઈ, જવા દે તું!
દલીલો છે બધી મિથ્યા, વિવાદો ટાળવા દે તું!
ધડાકો થાય ના કાયમ, રમકડું તૂટતી વેળા!
નિરર્થક લાગશે ટુકડાં, છતાંયે વીણવા દે તું!
સ્મરણ તારું સહારો છે, કે એની કેદ માં છું હું?
ગુનો કોનો? સજા કોને? બધુંયે તય થવા દે તું!
પડું, દોડું, ફરી પાછો પડું, ને છે મજા એની!
ઉપર નીચે થતાં ચગડોળને, બસ માણવા દે તું!
હતું ઘર બંધ એવું, કે વિચારો વાયુ થઈ બેઠા!
ખુલેલા દ્વારથી તાજી હવાને, ઝીલવા દે તું…
~ સુનીલ રાચાણી “અંતર”