નયન ને નીંદરું વચ્ચે કશો તણાવ હશે,
મળી શક્યાં નહીં, પાંપણમાં અણબનાવ હશે !
દરદનો આટલો વ્યાપક તે શો પ્રભાવ હશે !
જરૂર આપણું અસ્તિત્વ કોઈ ઘાવ હશે !
બને તો શાંત પડી જાઓ દિલના ધબકારા !
તમે છો ત્યાં જ સુધી કોઈને અભાવ હશે.
બિચારા પુષ્પની આ વૈખરી વિશે વિસ્મય !
છૂપો વસંતના સુણવામાં વેરભાવ હશે.
અમે તો વાતનો વાહક ગણીને ઊચર્યા’તા,
ન’તી ખબર કે પવન પણ બધિર સાવ હશે.
પણે રસે છે સિતારાને લાગણીના ૨સે,
કોઈ તો રોકો કે એ આપણો સ્વભાવ હશે.
હસી પડે છે હવે તો ઉદાસીઓ ય, ‘ગની’,
નવી નવાઈનો જન્મેલ હાવભાવ હશે.
– ‘ગની’ દહીંવાળા