ના કોઈ જીતીને ગયું અહીંથી, ના કોઈ હારી ને ગયું !
આ રમત જ એવી છે કે, નથી અહીં કોઈ ફાવી ને ગયું.
અઠંગ ખેલાડીઓ પણ ઉઠી ગયા છે, અડધી બાઝી એ,
પરિણામની પરવા નથી એ,જિંદગી દાવમાં મૂકી ને ગયું.
કંઇક લઈને ગયા છે, તકદીર કે પોતાની તદબિર મુજબ,
ભલે આવ્યા હોય ખાલી હાથ,પણ કોઈ ખાલી નથી ગયું.
જિંદગી આખી કાઢી હોય રઝળપાટ માં તોય શું મળ્યું ?
મહેનતનું હતું એ જ રહ્યું,બાકીનું બધું સામે ચાલી ને ગયું.
કર્મના સિદ્ધાંત પણ કામ ના આવ્યા અહી ખરે ટાણે કોઈને,
જે કુદરતી મોતથી મારવાનું હતું,એ પણ કમોતે મરી ને ગયું.
કિસ્મત તો જુઓ, કોણ કોનું રળેલું અહિયાં ખાય છે ?
છૂટતું ના હતું અંતકાળે જેનાથી, એ સઘળું છોડી ને ગયું.
સ્વર્ગમાં આપણું શું દાટ્યું છે,મૃત્યુલોક જેવી ક્યાંય મજા નથી,
” મિત્ર” આંટો દઈ ને આવુ છુ ! એવું કોઈ કાનમાં કહી ને ગયું.
~ વિનોદ સોલંકી ” મિત્ર “