આમ જ થાશે નો’તું કીધું ?
એ મૂંઝાશે નો’તું કીધું ?
તડકે તડકે ભીંજાવીને
ગોરંભાશે નો’તું કીધું ?
રોઈ લેશે સાચું-ખોટું
જીવતી લાશે નો’તું કીધું ?
આકાશે ઊડવાની તલપે
પાંખ કપાશે, નો’તું કીધું ?
એના તરફી છે જનમાનસ
છૂટી જાશે, નો’તું કીધું ?
કેવી શાંતિથી બેઠો છે !
છંછેડાશે, નો’તું કીધું ?
એની નવરાશે આવીને
‘પારસ’ ગાશે, નો’તું કીધું ?
~ પારસ હેમાણી