પગ ગુસ્સામાં લાલને રાતી પાની થઇ ગઇ
રસ્તા સાથે મારે આનાકાની થઇ ગઇ
એક હરફ ના ઉચ્ચાર્યો હોઠેથી તો પણ
કેટકેટલી વાતો સાવ જ છાની થઇ ગઇ ?
કશું ઉકાળી શક્યા નહી જે વાતને અંતે
એ વાતે લે બબ્બે ચુસ્કી ચાની થઇ ગઇ
જાત પાતના જંગલમાં પગલું પાડ્યું ત્યાં
હિંસક થઇ ગઇ આંખ નજર પણ રાની થઇ
છેક સુધી નારાજ મેં મનને બાધી રાખ્યું
છતાંય સાલી અંતે તો મનમાની થઇ ગઇ
~ ચંદ્રેશ મકવાણા “નારાજ”