પરમ તત્વ હોય કે પરમેશ્વર, નિભાવી રહ્યું છે કોઈ.
આધાર વગરની આ અવની ને ટકાવી રહ્યું છે કોઈ.
આટઆટલા પ્રલયો પછી અડીખમ ઊભી છે દુનિયા,
દૃશ્ય હોય કે અદૃશ્ય પરિબળ,બચાવી રહ્યું છે કોઈ,
ચંદ્ર ને મંગળ સુધી પહોંચી ગયો માનવી છતાં પણ,
આસમાન સામે ઘૂંટણિયે પડી ઝુકાવી રહ્યું છે કોઈ.
શ્રદ્ધા અંધશ્રદ્ધા વચ્ચે ની રેખા નથી ભેદી શક્યું કોઈ,
સિંદુર થી રંગેલા પથરા આગળ નમાવી રહ્યું છે કોઈ.
જેની રહેમત વિના સુકુ પર્ણ પણ ખરતુ નથી અહી,
કઠપૂતળી જેમ માનવ જાત ને નચાવી રહ્યું છે કોઈ ?
ગોચર અગોચર વિશ્વની વાત છે અદભુત ને અટપટી !
કર્મકાંડ ને દોરા ધાગાથી વિજ્ઞાન ને હંફાવી રહ્યું છે કોઈ.
“મિત્ર”ધર્મ અને કર્મ જ મહાન છે,એથી વિશેષ કંઇ નથી !
સ્વર્ગ નર્ક ની લાલચ આપી જાળમાં ફસાવી રહ્યું છે કોઈ.
વિનોદ સોલંકી “મિત્ર”