પળેપળ તડપતો રહું છું સદાયે,
ક્ષણેક્ષણ સળગતો રહું છું સદાયે,
ખબર છે કદી આથમી હું જઈશ કૈ
છતાંયે ચમકતો રહું છું સદાયે,
પવનની દિશા તો ભલેને છે અવળી
ધજામાં ફરકતો રહું છું સદાયે,
નથી થોભી શકતો હવે હું કદીએ,
સમય છું સરકતો રહું છું સદાયે,
જખ્મો કેટલા તો મળ્યા છે મને પણ
છતાંયે હરખતો રહું છું સદાયે,
~ હિંમતસિંહ ઝાલા