પ્રથમ વરસાદમાં શું શું થયું પૂરી વિગત લખજો!
અમારી યાદમાં શું શું થયું પૂરી વિગત લખજો!
તમે એકાંતથી બચવા અરીસો સામે તો રાખ્યો,
પછી સંવાદમાં શું શું થયું પૂરી વિગત લખજો!
હતા સાથે તમે ત્યારે તો સાથે હસતા, રડતા’તા,
પરંતુ બાદમાં શું શું થયું પૂરી વિગત લખજો!
લખો એકાદ બે વાતો તમારા સુખના દિવસોની
અને વિષાદમાં શું શું થયું પૂરી વિગત લખજો!
કોઈ તો આંસુને વાંચી જશે એ ડર બધાને હોય,
છતાં અપવાદમાં શું શું થયું પૂરી વિગત લખજો!
પ્રસંગો આમ તો વિત્યા નથી ઝાઝા જુદાઈના,
ભલે એકાદમાં! શું શું થયું પૂરી વિગત લખજો!
સંદીપ પૂજારા