ચકડોળ સાથે ચાલતાં વારામાં હું નથી.
પોકળ ગગનમાં ગુંજતા નારામાં હું નથી.
તારાં મિલનની જો હવે કેવી થઈ અસર,
ચાલી રહ્યા છે શ્વાસ પણ મારામાં હું નથી.
ભટકી બધે શોધ્યા કરો છો શું જરા કહો,
એવું બતાવો સ્થાન જ્યાં તારામાં હું નથી.
બોલાવશે ના એ કદી મહેફિલમાં એમની,
મારી ખબર છે મુજને કે સારામાં હું નથી.
ક્યાંથી પછી પામે મને એ ઘરમાં ભીતરે,
જે આંગણે તુલસી તણાં ક્યારામાં હું નથી.
જીવણ કરી જે વેઠ એ ક્યાં કામની હતી,
મસ્તક ઉપાડ્યો બોજ તે ભારામાં હું નથી.
ગભરું હૃદયનાં ભોળપણમાં હું રહું સદા,
ઢોંગી ધરમની એકપણ ધારામાં હું નથી.
કાંઠે અગર બેઠાં રહો તો મોજ ના મળે,
મઝધાર છું, સાગરના કિનારામાં હું નથી.
આજે કરો છો એ બધું આપું ડબલ કરી,
બસ રોકડો હિસાબ, ઉધારામાં હું નથી.
કાયમ વિસામો જાણજો જીવન તણો મને,
મંઝિલ છું, મારગ કે ઉતારામાં હું નથી.
વરસાદ છું, વરસ્યાં કરું ધરતી અમી બની,
ભડકી ઊઠે એ આગ તિખારામાં હું નથી.
~દિલીપ ધોળકિયા,”શ્યામ”