પહેલવહેલી મળી તી નજર આપણી પ્રેમ ની એ શરૂઆત ભૂલી ગયા
હોઠ કંપી ને જંપી ગયાં કે તરત આંખો આંખો માં થઇ વાત ભુલી ગયા
ઉડતા ઉડતા અચાનક એ બે પાદડા એકબીજા ની નજદીક આવી ગયા
એ મીલન પણ અકસ્માત જેવું હતું તમે એ અકસ્માત ભુલી ગયા
ભાવ માં કાળજા નો ઉમળકો હતો સ્મિત રમતું હતું શબ્દ ના હોઠ પર
વાત કહેવાનો અંદાજ રેશમ સમો એ રૂપાળી રજુઆત ભુલી ગયા
મે કહ્યુ કે કયા નામે બોલાવું હું આપ બોલ્યા ગઝલ નામ ગમશે મને
યાદ રાખ્યુ ન એમાનુ કંઈ પણ તમે એ મીલન એ મુલાકાત ભુલી ગયા
મે એ તમારા વણબોટા કૌમાર્ય ની દિલ થી પુજા કરી એનુ રક્ષણ કર્યુ
મારી સાથે તમે જે ગુજારી હતી કુંવારી હતી ઇ રાત ભુલી ગયા
એ રસ્મ એ રીવાજો રૂડી પ્રથા તમે પણ ન તોડી શક્યા
ભેટ દુનિયાની આખર કબુલી લીધી મહોબ્બત ની સોગાત ભુલી ગયા
કયાં મળ્યા કયારે છુટા પડયા કેવાં સંજોગ આવ્યા શું ઘટના બની
એ બઘું યાદ તમને હશે ખરુ અમે તો એ આઘાત ભુલી ગયા
ખલીલ ધનતેજવી