આ જિંદગી ,સંસાર ને સગપણ બધું હંગામી છે,
આ મોહ ,માયા, વાસના, વળગણ બધું હંગામી છે.
માટીની સાથે બીજનું સંધાન રહેશે કાયમી,
બચપણ યુવાની,માંદગી ઘડપણ બધું હંગામી છે.
જે ભીતરે છે એ પ્રભુને ઓળખી લો જ્ઞાનથી,
ડીગ્રી, ખિતાબો,નોકરી શિક્ષણ બધું હંગામી છે.
આતમને શણગારો કદી એ વૃદ્ધ પણ થાતો નથી,
મેકપ, ચહેરો , કાંસકો દર્પણ બધું હંગામી છે.
નિર્દય સમય લાંબો વખત સુખ લીલું છમ દેતો નથી,
ઘર આંગણે રંગોળી ને તોરણ બધું હંગામી છે.
કાબેલ નાવિક નાવ ‘સાગર’માં ડૂબાડી પણ શકે,
તાકાત, ચાલાકી, સમજ,ડા’પણ બધું હંગામી છે.
રાકેશ “સગર”