ચાલુ જ છે ઉજાણી, બેઠો છું, બેસવા દે.
પાણીનો સ્વાદ માણી બેઠો છું, બેસવા દે.
હું ધ્યાન, યોગ, આસનનાં પોટલાં ઉતારી,
મનઘોડલી પલાણી બેઠો છું, બેસવા દે.
ઇચ્છું તો હું કૂવામાં ઉતરી શકું છું કિન્તુ,
સાંધીને ડોલ કાણી, બેઠો છું, બેસવા દે.
આખો દિવસ તો વીત્યો બસ બોર વેચવામાં,
સાંભળવા રાતવાણી બેઠો છું, બેસવા દે.
ઊંધીશ, થઈશ ઊભો, જેવી જરૂર ‘મધિયા’,
તૃપ્તિની સોડ તાણી બેઠો છું, બેસવા દે.
– મધુસૂદન પટેલ ‘મધુ’