સત્ય ટૂંપાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
ચિત્ર ભુંસાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
અહીં ખુદ ભોમિયાને પણ નથી કંઈ ભાન મારગનું,
દિશા ફંટાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
સુગંધોનેય કરવા કેદ આ ટોળું થયું ભેગું,
ફૂલો મૂરઝાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
નથી કંઈ સૂરની સમજણ છતાંયે સાજ શણગાર્યાં !
બસૂરું ગાય એ પહેલાં પહેલાં બધાંએ બોલવું પડશે.
નર્યો ઉપજાઉ વાતો ને નિરંતર જૂઠનો રેલો,
વધુ લંબાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
જતન એનું કર્યું છે પૂર્વજોએ પ્રાણ પૂરીને,
મતા લુંટાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
સતત થાક્યા વિના બોલ્યા કરે છે એ ફકીરોનું –
ગળું રૂંધાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
હજી તો ઝળહળે છે આ સનાતન ધર્મનો દીવો,
તિમિર ઘેરાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
– નીતિન વડગામા