જીવનનું સત્ય શું છે, આંખોના ખ્વાબ શું છે?
બોલો આ જિંદગીનો સાચો જવાબ શું છે ?
દુ:ખની ગણતરીમાં તો દિવસો વહી જવાના
પૂછો તો હમણાં કહી દઉં સુખનો હિસાબ શું છે ?
બસ દૂરથી જ જોઇ એના વિશે ન બોલો
વાંચીને અમને કહેજો દિલની કિતાબ શું છે ?
દુ:ખના તો ચાર દિવસો પી પીને મેં વીતાવ્યા
કોઇ મને બતાવે એમાં ખરાબ શું છે ?
વર્ષોથી આપણે તો જોઇ નથી બહારો
ચાલ આવ જોઇ લઇએ ખીલતું ગુલાબ શું છે ?
જીવન ગયું છે એમાં, તો પણ ન જાણ્યું સાકી !
મયખાનું તારું શું છે, તારો શરાબ શું છે ?
છોડો અદી હવે તો એની ગલીના ફેરા
ઘડપણમાં આવી હરકત ? તોબા જનાબ શું છે ?
– ‘અદી’ મિરઝા