નદીમાં કોઈ મુકો નાવ, ભાડું થાય તે લેજો
મને મારા સુધી લઈ જાવ, ભાડું થાય તે લેજો
અમારે એક ક્ષણમાં કેટલાયે યુગ રહેવું છે
અમે મૂકી દીધો પ્રસ્તાવ, ભાડું થાય તે લેજો
તમારી આંખમાં જોયું, ને જોયું કે પગથિયાં છે
રહીશું ત્યાં ઉતારી વાવ, ભાડું થાય તે લેજો
અમારી વેદનાઓ બહાર ખુલ્લામાં પડી રહેશે
ફક્ત ઘરમાં તો રહેશે ઘાવ, ભાડું થાય તે લેજો
રમત રમવા જીવનનું સ્વપ્ન માગીને લીધું છે,તો
અમે પૂરો કરીશું દાવ, ભાડું થાય તે લેજો
– સુરેન્દ્ર કડિયા