માટી બની ગયો હું, ને ભેખડે ભરાયો,
ત્યાંથી છૂટી ગયો તો, જઈ ચાકડે ભરાયો.
હું હાડ-માંસ-મજ્જા ને રક્તથી ભરેલો-
શીશો છું, ને પૂછું છું, કોના વડે ભરાયો?
એ શ્વાસ વેડફાયો નહિ જે હવા બનીને,
બાળકના ખેલ માટે જઈને દડે ભરાયો.
ખાબોચિયે હું જન્મ્યો, ખાબોચિયે જ સબડ્યો,
જન્મ્યો તળાવમાં તું, તેથી ઘડે ભરાયો.
મૂક્યાં હતાં જે ઈંડાં સપનાએ મારી ડાળે,
એક સાપ એને ગળચી મારા થડે ભરાયો.
આવી ગયું બધુંયે એમાંથી બ્હાર ત્યારે
જાણ્યું કે ઓરડો છે ખુદ ઓરડે ભરાયો.
– અનિલ ચાવડા