સૌને પોતાની મરજીથી તોલે છે,
માણસ કરતા રૂપિયો ઝાઝું બોલે છે.
કોતરતી એ રીતે પીડા જીવતરને,
જાણે ઉંદર કાગળિયો કરકોલે છે.
દોસ્ત! હસે છે તું આ જે હળવું હળવું,
એનો બોજ બધો મારા કંધોલે છે.
હું પોતાને એમ નિહાળું દુનિયામાં,
જાણે નૌકા મધદરિયામાં ડોલે છે.
જ્યારે પણ સાંકળ ભીડું છું છાતીની,
એકલતા આવીને ખડકી ખોલે છે.
ભૂલેચૂકે શમણાંઓ જો આવે તો,
એવું લાગે કોઈ પાંપણ છોલે છે.
એ બાજુથી ધક્કા મારે ભીડ ‘અગન’
આ બાજુથી ખાલીપો હડદોલે છે.
~ ‘અગન’ રાજ્યગુરુ