ગરબાની તૈયારી ટાણે, ચોમાસાએ ઊથલો માર્યો!
માંડ પત્યો શ્રાવણ ‘ટપ-ટપ’, ત્યાં ભાદરવાએ ભૂસકો માર્યો!
આર્દ્રા, રોહિણી નક્ષત્રો મન મૂકીને વરસ્યાં સઘળાં,
તોય કસર કંઈ પૂરી કરવા, ‘પૂછડિયાં’એ કૂદકો માર્યો!
પ્રકૃતિએ નિયમો બદલ્યા, માણસ તો નિર્દોષ બિચારો!
વત્તા-ઓછું વરસી એને, કાં ભીનો કાં સૂક્કો માર્યો!
‘વૃક્ષ-નિકંદન આડેધડ’ -શું હોય શકે કંઈ કારણ આનું?
વાત હશે ઉપજાવી કાઢેલ, કાં તો કોઈએ તુક્કો માર્યો!
કાં કુદરત રૂઠી માનવથી, કાં પ્રકૃતિ મનમોજી થઈ!
પણ, ‘ધીરજ’થી જોતાં લાગ્યું -‘મા’એ મીઠો મુક્કો માર્યો!
✍ ડૉ. ધીરજ એસ. બલદાણિયા