મારાથી દૂર હું જ મને ભાળતો હતો,
રણમાં રહીને વીરડો હું ગાળતો હતો !
આવું ઉખાણું કોઈએ શું સાંભળ્યું હશે ?
મારી જ રાખથી મને અજવાળતો હતો !
પાગલપણાની વાત કંઈ એવી બની ગઈ,
હું જાગતો જ હતો ને મને ઢંઢોળતો હતો !
ખોવા સમું તો મારી કને શું બીજું હતું ?
મારામાં રોજ હું જ મને ખોળતો હતો !
બળતો સૂરજ તો આખો નદીમાં પડીને ન્હાય,
કાંઠે રહીને હું તો ચરણ બોલતો હતો !
કંઈ કેટલીય વાર હું પાષણ થઇ ગયો,
ભીની ક્ષણોમાં તોય મને ઢોળતો હતો !
બરડાની ખોટ એથી નથી સાલતી ‘અનિલ’
અસ્તિત્વની પિછાન સમો સોળ તો હતો !
-રતિલાલ ‘અનિલ’